‘એક રાધા.. એક મીરાં…’ની એક ઝાંખી [San Francisco Bay Area, May 07, 2017]
એક રાધા.. એક મીરાં… આ અદ્ભૂત વિષય પર એક આખી સંગીતની સાંજની કલ્પના જ રૂવાડા ઉભા કરી દે છે.
પૂર્ણ-પુરુષોત્તમ કૃષ્ણને પૂર્ણત્વ અર્પનારી અને છતાંય કૃષ્ણમાં જ પોતાના અસ્તિત્વને વિલીન કરી દેનારી રાધા અને મીરાંને જીવંત કરતાં અભૂતપૂર્વ કાર્યક્રમનું આયોજન સાન ફ્રાન્સિસ્કોના ‘ટહુકો ફાઉન્ડેશન’ પરિવારે કર્યું હતું. મીલ્પીટાસ શહેરના ઇન્ડિયા કૉમ્યૂનિટી સેંટર (ICC) ના સાથ અને સહકાર થી ICCના જ સુંદર હોલ માં આ કાર્યક્રમ યોજાયો જેમાં સાન ફ્રાન્સિસ્કો બે એરિયાના ગુજરાતી સમાજે મોટી સંખ્યા માં આવીને આ કાર્યક્રમ ને અત્યંત સફળ બનાવ્યો જ પણ સાથે સાથે કેલિફોર્નિયાના વિવિધ શહેરોમાંથી ખાસ આ કાર્યક્રમને માણવા માટે લોસ એન્જેલસ, સાક્રામેન્ટો, ફ્રેસનો, ટ્રેસીથી ખાસ ગુજરાતી સમાજ ના સભ્યોએ હાજર રહીને કાર્યક્રમ ની શોભા વધારી. રાધા-મીરાંના જીવન અને મનોજગત માંથી પસાર થવાનો અવસર પ્રત્યેક વ્યક્તિને પ્રાપ્ત થયો અને રાધા-મીરાં સાથેની એ સફરમાં પ્રેક્ષકો એક તરફ મીરાંની એકલતાની પીડામાં તરબોળ થઈને ઝૂર્યા અને બીજી તરફ રાધા- માધવના પ્રેમના ઉમળકામાં ઝુમ્યા. ટહુકો ફોઉન્ડેશનના ફાઉન્ડર જયશ્રી ભક્તાએ સર્વ શ્રોતા ગણોને હૂંફાળો આવકાર આપીને સ્વાગત કર્યું હતું.
સાન ફ્રાન્સિસ્કો બે એરિયાના ખુબ જ જાણીતા કલાકારો હેતલ બ્રહ્મભટ્ટ અને આણલ અંજારિયાએ કૃષ્ણમય રાધા અને માધવમય મીરાંના અદ્વિતીય ગીતોની સુંદર રજૂઆત કરીને એ સાંજે હાજર રહેલા તમામ વ્યક્તિઓ મંત્રમુગ્ધ બનાવી દીધા! સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન દીપલ પટેલે કર્યું હતું જેમણે વિષયને ન્યાય આપવા મહિના ઓ સુધી માટે કૃષ્ણ વિષયક અનેક પુસ્તકો, કવિતાઓ અને લેખો વાંચીને ખુબ સુંદર તૈયારી કરી હતી. દરેક ગીત ની રજુઆત પહેલા રાધાના અનન્ય કૃષ્ણ પ્રેમ અને મીરાંની ભક્તિ અને કૃષ્ણપ્રેમની કોમળ ભાવના, બંને ની કૃષ્ણ સાથેની તન્મયતા, અનેક પદોની આગવી ઓળખાણ આપીને શ્રોતાઓને પોતાની સાથે રાધા અને મીરાંના જીવન અને કવનમાંથી પસાર થવાનો અમૂલો અવસર આપ્યો. આખા કાર્યક્રમના પ્રત્યેક ગીતો/પદોની પસંદગી એટલી અદ્ભુત હતી કે જાણે તમામ વ્યક્તિ રાધા અને મીરાંને રૂબરૂ મળી આવી હોય એવો આલ્હાદક આનંદની અનુભુતી કરી શકી! લોસ એન્જલેસ માં વસતા સુપ્રસિદ્ધ સંગીતકાર, અનીસ ચંદાનીએ સિન્થેસિઝર ની સાથે સાથે એમની મનમોહક વાંસળીના સૂરોથી જાણે વૃંદાવનની કુંજ ગલીઓનું રમણીય વાતાવરણ તાદ્રશ કરી દીધું. સ્વપન ચૌધરીના શિષ્ય નિખિલ પંડ્યાએ તબલા ઉપર સુંદર સાથ આપ્યો .મુકેશભાઈ કણકિયાએ પરકશન થકી દરેક ગીતને સુંદર ઉઠાવ આપ્યો હતો.
રાધા-માધવના પ્રેમની કવિતાઓથી શરુ થઈને, રિસામણા- મનામણાના અનેક પ્રસંગો ગુજરાતી સાહિત્યનાં ઉત્તમ કવિઓ દ્વારા લખાયેલા અને અદ્ભુત સ્વરાંકન સાથે રજુ થયા. પુરુષોત્તમના પ્રેમમાં સર્વોપરિ એવી બે સમર્પિત સ્ત્રીઓના હર્દયનો સપર્શ કરવાનો રૂડો અવસર પ્રાપ્ત થયો. રાધા અને મીરાં ના અંતર્જગતની યાત્રા કરાવતાં અમૂક અપ્રતિમ ગુજરાતી કાવ્યોની રજૂઆત શ્રોતાઓને હૃદયના ઊંડાણ સુધી સ્પર્શી ગઈ. કૃષ્ણ-કાવ્યો જેમના કવિ તરીકેના અસ્તિત્વ ની ઓળખ એવા હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, રમેશ પારેખ, મુકેશ જોષી ની સાથે સાથે ઉશનસ, ભગવતીકુમાર શર્મા, પ્રિયકાન્ત મણિયાર, વેણીભાઈ પુરોહિત અને મહેશ શાહના કાવ્યોને ક્ષેમુ દિવેટિયા, દક્ષેશ ધ્રુવ, નીનુ મજુમદાર, ગૌરાંગ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, અમર ભટ્ટ, ઉદયન મારુ, મેહુલ સુરતી અને રવિન નાયક ના સ્વરાંકનો માં રજુ કરી ને કાર્યક્રમની રાધા અને મીરા – હેતલ બ્રહ્મભટ્ટ અને આણલ અંજારિયા એ શ્રોતાને કૃષ્ણ-પ્રેમ અને ભક્તિના દિવ્ય રંગો થી રંગી દીધા…રાધાના આગમને થતો એના ઝાંઝરના ઝંકાર અને મીરા ના ઉલ્લેખ સાથે જ એના તંબૂરના રણકાર સાથે શરૂ થતું સંગીત અને એમાં હેતલબેન અને આણલ બેનનો વાંસળીના સૂર જેવો મીઠેરાં અવાજમાં રાધા-માધવ-મીરાં ની સાથે સાથે શ્રોતાઓય સૂર સૂર થઇ ગયા!
‘મોરપિચ્છના શુકન’ થી થયેલી શુભ શરૂઆત પછી કાન્હા સાથે હોળી રમતી રાધા હોય “રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે” કે પછી કાન્હાનો પત્ર મળ્યા પછી ખુશીનું એલાન કરતી રાધા હોય “હરી નો કાગળ આવ્યો આજ…” કે પછી હરિના આગમનથી બેબાકળી બની ગયેલી રાધાનું સ્વરૂપ હોય “હરી પધાર્યા મારે ઘેર… ” જેવા ગીતોથી વાતાવરણ કૃષ્ણ સભર થઇ રહ્યું।…પ્રેમ અને ભક્તિના એક અનન્ય અંગ – ‘દર્દ’ને હૃદય વલોવી નાખે એવા ગીતો દ્વારા રજુ કરવા માં આવ્યુ – ’દરદે-દીવાણી’, ’એક દિવસ તો ગાતાં ગાતાં , મીરાં ચૂપ થઇ’, અધરાતે-મધરાતે દ્વારિકાના મહેલ મહી, રાધાનું નામ યાદ આવ્યું’,’…વચ્ચે સૂનકાર નામ મીરાં ‘, ‘હું તો તારી હે ગિરિધારી, ગયા જન્મ ની ગોપી’… સાંભળતા સાંભળતા શ્રોતાઓની આંખ આપોપાપ ગીતના સૂરો ની સાથે સાથે જ વહી ને વાતાવરણને પાવન કરતી ગઈ…હેતલબેન અને આણલબેનનો સુમધુર કંઠ, અનીસ ચંદાનીની વાંસળીના સુર અને નિખિલ પંડ્યાના તબલાના તાલે લોકોને એટલા તરબોળ કરી દીધા કે હ્રદયના દ્વાર ખોલીને બધાએ કૃષ્ણને વધાવ્યા! હેતલ બ્રહ્મભટ્ટ અને આણલ અંજારિયા ના યુગ્મ સ્વરે ‘અમે તમારી વાંસળીઓ’ આ નભ ઝુકયું તે કાનજી ને ચાંદની તે રાધા રે’ સાંભળીને શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા. કાર્યક્રમ ને અંતે, સુરેશ દલાલની અનન્ય રચના ‘પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે’ રજુ થઇ જેને શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે રાગ માલકૌંસમાં ઉત્કૃષ્ઠ સ્વરાંકિત કરી છે. અનીસ ચંદાની અને નિખિલ પંડ્યાની જુગલ બંદી આ ગીત માં કૈંક જુદો જ રંગ લાવી. ગીત ના અંતે, મીરાંના કૃષ્ણમય નૃત્યને નખશીખ રજુ કરવા માટે હેતલ બ્રહ્મભટ્ટ અને આણલ અંજારિયા ને પોતે સ્વરાંકિત કરેલા અલંકારો અને તરાના રજુ કરીને શ્રોતા-ગણોને સંમોહિત કરી મુક્યા હતા. કાર્યક્રમના અંતે તમામ પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટ સાથે એક સાથે ‘standing ovation’ આપીને કલાકાર-વૃંદને જાણે પ્રેમની હેલીમાં તરબોળ કરી દીધા!
ટહુકો ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ હેતલ બ્રહ્મભટ્ટે કાર્યક્રમની તૈયારી અને સફળતા સાથે જોડાયેલા તમામ મિત્રો, સ્વયંસેવકો, સપોર્ટર્સ અને શ્રોતાગણોનો આભાર માન્યો હતો. કલાકારો અને શ્રોતાઓના મનોપટ પરથી દિવસો સુધી આ અલૌકિક આનંદનો કેફ ઓછો થયો નહિ!
One Response to “Glimpses of ‘Ek Radha…Ek Mira…’ [San Francisco Bay Area, May 07, 2017]”