“ટહુકે વસંત“ – ફાગણ અને વસંત ઋતુના ગીતોનો સુંદર કાર્યક્રમ શ્રીમયા કૃષ્ણધામમાં તારીખ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ અભૂતપૂર્વ કાર્યક્રમનું આયોજન સાન ફ્રાન્સિસ્કોના ‘ટહુકો ફાઉન્ડેશન’ પરિવારે કર્યું હતું. શ્રીમયા કૃષ્ણધામના દશાબ્દીની ઉજવણી રૂપે મીલ્પીટાસ શહેરના શ્રીમયા કૃષ્ણધામના સાથ અને સહકાર થી પ્રભુના આંગણે શ્રીમયા કૃષ્ણધામમાં જ આ કાર્યક્રમ યોજાયો જેમાં સાન ફ્રાન્સિસ્કો બે એરિયાના ગુજરાતી સમાજે મોટી સંખ્યા માં આવીને આ કાર્યક્રમ ને અત્યંત સફળ બનાવ્યો.
ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ એવું કહે છે કે ઋતુનામ કુસુમાકર અહમ્ એટલે કે ઋતુઓમાં હું વસંત છું. આ ઋતુઓના રાજા વસંત અને ફાગણના અદ્ભુત ગીતો સાંભળી લોકો આનદ અને ઉલ્લાસથી ઝૂમી ઉઠ્યા હતા. આ કેલીફોર્નીયાના ઠંડા પવનમાં પણ ત્યાં બેઠેલા પ્રત્યેક વ્યક્તિને ફાગણ અને ચૈત્ર મહિનાના હુંફાળા વાયરાં યાદ આવી ગયા .હેતલ ભ્રહ્મભટ્ટએ સર્વ શ્રોતા ગણોને હૂંફાળો આવકાર આપીને સ્વાગત કર્યું હતું.
સાન ફ્રાન્સિસ્કો બે એરિયાના ખુબ જ જાણીતા કલાકારો હેતલ બ્રહ્મભટ્ટ, આણલ અંજારિયા, અચલ અંજારિયા અને નિકુંજ વૈદ્ય એ ફાગણ વસંતના ઉલ્લાસભર્યા અદ્વિતીય ગીતોની સુંદર રજૂઆત કરીને એ સાંજે હાજર રહેલા તમામ વ્યક્તિઓ મંત્રમુગ્ધ બનાવી દીધા! સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન દિપલ પટેલે કર્યું હતું જેમણે વ્યસ્ત અને ટુક સમયમાંજ પુસ્તકો, કવિતાઓ અને લેખો વાંચીને ખુબ સુંદર તૈયારી કરી હતી. આખા કાર્યક્રમના પ્રત્યેક ગીતો/પદોની પસંદગી એટલી અદ્ભુત હતી કે જાણે તમામ વ્યક્તિ પોતાના વતનમાં જઈને હોળીમાં, ફાગણમાં રૂબરૂ જઈ આવી હોય એવો આલ્હાદક આનંદની અનુભુતી કરી શકી! ગુરમીત સિંહે તબલા ઉપર સુંદર સાથ આપ્યો, વિકાસ સાલ્વીએ કીબોર્ડ થકી દરેક ગીતને સુંદર ઉઠાવ આપ્યો હતો અને રમણીય વાતાવરણ તાદ્રશ કરી દીધું.
રાધા-માધવના હોળી ગીતો , રાસલીલાની કવિતાઓથી શરુ થઈને, લોકગીતો, અનેક પ્રસંગો ગુજરાતી સાહિત્યનાં ઉત્તમ કવિઓ દ્વારા લખાયેલા અને અદ્ભુત સ્વરાંકન સાથે રજુ થયા. ફાગણ કાવ્યો જેમના કવિ તરીકેના અસ્તિત્વ ની ઓળખ એવા નન્હા લાલ , ઉમાશંકર જોશી ,પન્ના નાયક ,નરસિહ મહેતા ,મેઘબિંદુ, તુષાર શુક્લ, ઉદ્દયન ઠક્કર , નીનુ મઝુમદાર, કૈલાશ પંડિત ,નંદકુમાર પાઠક,અવિનાશ વ્યાસ, સુરેશ દલાલ, ના કાવ્યોને ક્ષેમુ દિવેટિયા, નીનુ મજુમદાર, ગૌરાંગ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય, અમર ભટ્ટ, શ્યામલ સૌમિલ મુનશી અને અવિનાશ વ્યાસ ના સ્વરાંકનો માં રજુ કરી ને કાર્યક્રમના ફાગણ રસ પીવાડાવનારા હેતલ બ્રહ્મભટ્ટ,આણલ અંજારિયા, અચલ અંજારિયા અને નિકુંજ વૈદ્ય એ શ્રોતાનેઓ ફાગણ-વસંત અને ઉમંગના દિવ્ય રંગો થી રંગી દીધા.
કાર્યક્રમની સૌથી પહેલી રજૂઆત “આ વસંત ખીલે શત પાંખડી, હરિ! આવોને” ગીતથી કરીને પ્રભુને આવકાર્ય અને પછી “પંચમી આવી વસંતની”,”પાનખર ના હૈયા માં ટહુકે વસંત”, “ઘેલી વસંત આવી રે” જેવા વસંતના ગીતોથી લોકો વસંતરાગમાં ઝૂમી ઉઠ્યા. ફાગણના ગીતોમાં “આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…” “આંખ્યુંના આંજણમાં ફાગણ” રજુ થયા એ ઉપરાંત પ્રકૃતિ-પ્રણય ગીતો જેવા કે “ ફૂલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું”, “અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ!,”આ સરવર સરવર રમતાં “ , “કઈ તરકીબથી”,
“ દરિયાના મોજા”, “કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ” સાંભળીને પ્રેક્ષકો પ્રેમમાં ડૂબી ગયા.
રાધા કૃષ્ણની રાસલીલાના ગાન“ખેલત રાધાજીકો કંથ ” સાંભળીને લોકોએ કૃષ્ણ રાધાની અલૌકિક ક્ષણો અનુભવી શક્યા. આપણા પ્રાચીન લોકગીતો “ફાગણ ફોરમતો આવ્યો”, “આ તો ચૈત્ર વૈશાખના વાયરાં”, “મારો દેવરીયો છે બાંકો” સાંભળીને લોકોના મન ડોલવા લાગ્યા અને લોકોએ ગરબા ગાઈને સૌને વધાવી લીધા. કાર્યક્રમના અંતે તમામ પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટ અને ગરબા સાથે એક સાથે ‘standing ovation’ આપીને કલાકાર-વૃંદને જાણે પ્રેમની હેલીમાં તરબોળ કરી દીધા!
હેતલ બ્રહ્મભટ્ટે કાર્યક્રમની તૈયારી અને સફળતા સાથે જોડાયેલા તમામ મિત્રો, સ્વયંસેવકો સપોર્ટર્સ અને શ્રોતાગણોનો આભાર માન્યો હતો. કલાકારો અને શ્રોતાઓના મનોપટ પરથી દિવસો સુધી આ અલૌકિક આનંદનો કેફ ઓછો નહિ થાય !