ટહુકો ફાઉન્ડેશન તથા કિરીટ અને સ્મિતા શાહ ની પ્રસ્તુતિ – ‘ પ્રીતિ સેનગુપ્તા – વિશ્વપ્રવાસી સાથે વિશ્વ-યાત્રા ‘
૧૩ ઓગસ્ટ, ૨૦૧૭ ઇન્ડિયા કૉમ્યૂનિટી સેંટર (ICC, Milpitas), સાન ફ્રાન્સિસ્કો બે એરિયા , કેલિફોર્નિયા, USA
અહેવાલ – દિપલ પટેલ અને હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ
૧૩મી ઓગસ્ટ, ૨૦૧૭ રવિવારની બપોરે એક અનન્ય કાર્યક્રમનું આયોજન ટહુકો ફાઉનડેશન દ્વારા ઇન્ડિયા કૉમ્યૂનિટી સેન્ટરના સહયોગથી કરવામાં આવ્યું. ૧૧૦થી વધારે દેશોનું એકલા ભ્રમણ કરનારા અને ઉત્તર ધ્રુવ ઉપર ભારતનો ઝંડો લહેરાવનાર પહેલા ભારતીય એવા પ્રીતિ સેનગુપ્તાની યાત્રાના અનુભવોની વહેચણીનો અદ્ભુત કાર્યક્રમ ઇન્ડિયા કમ્યુનીટી સેન્ટરમાં યોજાયો હતો. નિરાળા અને અનન્ય વ્યક્તિત્વના માલિક , એકલ વિશ્વ પ્રવાસી તરીકેની ઓળખ સાથે એક અનોખી જીવન શૈલીથી પોતાની શરતે જીવનાર પ્રીતિ સેનગુપ્તા એકે જ એવા ગુજરાતી લેખીકા છે જેમને ગુજરાતી સાહિત્યમાં એમના પર્દાર્પણ માટે દસ એવોર્ડ્સ મળ્યા છે – 1) વિશ્વ ગુર્જરી 2) ’કુમાર’ સુવર્ણ ચંદ્રક 3) ‘ગુજરાત ગૌરવ’ 4) ‘ગુજરાતી સમાજ સન્માન’ 5) ‘ગુજરાત ગિરા’ (USA) 6) Salute India 7) C Mehta Award (USA) 8) D Patel Gold Medal (England) 9) Pride of Gujarat , 10) Gardi – Diaspora Award
કાર્યક્રમની શરૂઆત મહેન્દ્ર મહેતાએ સર્વનું અભિવાદન કરીને કરી હતી, ત્યારબાદ ટહુકો ફાઉન્ડેશનના સ્થાપક જયશ્રી ભક્તાએ ટહુકો ફાઉનડેશન, અને એના થકી કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિષે શ્રોતાગણોને માહિતી આપી હતી અને કિરીટ શાહે પ્રીતિ સેનગુપ્તાનો વિસ્તૃત પરિચય આપ્યો હતો તેમાં કિરીટ શાહે પ્રીતિ સેનગુપ્તાએ મેળવેલા પ્રસિદ્ધ કુમાર ચંદ્રક અને અનેક અનન્ય સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રીતિ સેનગુપ્તા ઉત્તર ધ્રુવ તરફ પ્રવાસ કરનારા અને ત્યાં ભારતીય ધ્વજ લહેરનાવનાર પ્રથમ અને એકમાત્ર મહિલા (તે સમયે તે ભારતીય નાગરિક) હતા. અને અહીંની મુલાકાત પછી આગામી આંતરરાષ્ટ્રીય કવિ સંમેલન માટે આમંત્રિત એકમાત્ર વ્યક્તિ હતા. તદ્દ ઉપરાંત જયશ્રી મર્ચન્ટ, જાણીતા ઉત્તમ ગાયક વિભા દેસાઈ, ICC ના CEO રાજ દેસાઈ, આણલ અંજારિયા, અચલ અંજારિયા, રશ્મી જાગીરદાર, પી.કે. દાવડા, જાગૃતિ દેસાઈ, કલ્પના રઘુ, દિપલ પટેલ ઉપરાંત અન્ય જાણીતા કલાકારોએ ઉત્સાહ પૂર્વક ૨ કલાક પ્રીતિ સેનગુપ્તા સાથેની સફરને ખેડી હતી.
પ્રીતિ સેનગુપ્તાએ તેમના પ્રવાસના અનુભવોની ઝાંખી આપી હતી અને વિશ્વના દરેક ૭ ખંડોમાંથી મનપસંદ એક જગ્યા વિષે વાત કરી હતી. પ્રીતિ સેનગુપ્તાને ઉત્તર અમેરિકામાંથી હવાઈ ખંડ પરનો ‘કેઓંકેઆ’ નામનો દરિયા કિનારો, દક્ષિણ અમેરિકામાંથી ઉરુગુઆઇ રાજ્યનું પુન્તા દેલ એસ્તે શહેર, યુરોપનું પેન્ઝેસ ગામ, ઓસ્ટરેલિયાનું સિડની શહેર અને ઘાન એક્સપ્રેસમાં કરેલી ઉત્તર ઓસ્ટ્રેલીયાથી દક્ષિણ ઓસ્ટ્રેલીયાની સફર, આફ્રિકાનું લેસોથો શહેર, એન્ટાર્કટીકામાંથી ડીસેપ્શન આઈલેન્ડ વિષે વાતો કરી હતી પણ એશિયા ખંડને પોતાનો સૌથી પ્રિય ખંડ બતાવનાર પ્રીતિ સેનગુપ્તાએ અમદાવાદના સાબરમતી આશ્રમને તેમની સૌથી પ્રિય જગ્યા છે એમ જણાવ્યું હતું.
આ ઉપરાંત પ્રીતિ સેનગુપ્તા માને છે કે તેમના વિશ્વમાં ૭ નહિ પણ સાડા સાત ખંડો છે અને એ અડધો ખંડ છે ઉત્તર ધ્રુવ. પ્રીતિ સેનગુપ્તાએ એશિયા ખંડના લાઓસ દેશના ફોટા બતાવીને સૌને સફર કરાવી હતી. ત્યારબાદ સૌથી અદ્ભુત અને અવિસ્મરણીય ઉત્તર ધ્રુવના અનુભવો વિષે વાતો કરીને સૌને પ્રત્યક્ષ દર્શન કરાવ્યા હતા. ૧૯૯૨ની સાલમાં ઉત્તર ધ્રુવની યાત્રા પર ગયેલા પ્રીતિ સેનગુપ્તાએ કેવી રીતે ફોન, જીપીએસ અને ઘડિયાળ વગર અને -૫૦ સે. તાપમાનમાં માત્ર ૨૦ સેકંડમાં આંગળી ઠરી જાય એવા વાતાવરણમાં તેમણે ગાળેલા ૧૨ દિવસના સાહસિક પ્રવાસ વિષે ચર્ચા કરી હતી. પ્રીતિ સેનગુપ્તાએ તેમના અનુભવોની સફરથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રેક્ષકોના અનેક સવાલોના માહિતીપ્રદ જવાબો પોતાની રમૂજી ઢબે આપીને પ્રીતિ સેનગુપ્તાએ સૌના દિલ જીતી લીધા હતા.
ટહુકો ફાઉન્ડેશનના ડાઈરેક્ટર, હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટે આભારવિધિ કરીને કાર્યક્રમનો સુંદર અંત આણ્યો હતો. સૌ પ્રથમ, પ્રીતિબેનનો આભાર એમના જીવનના અનન્ય અનુભવોને શ્રોતાઓ સાથે વહેંચવા બદલ માનવામાં આવ્યો હતો. પ્રીતિબેન એમના વ્યક્તિગત મિત્ર અને મહેમાન હોવા છતાં, એમનો સમય સાન ફ્રાંસિસ્કો બે એરિયાના ગુજરાતીઓ અને પ્રવાસ રસિકો સાથે વહેંચવા બદલ કિરીટભાઈ અને સ્મિતાબેનનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો. સાન ફ્રાન્સિસ્કો બે એરિયાના સમગ્ર ભારતીય સમાજને એક છત્ર હેઠળ લાવી, દરેક પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ આપનાર ઇન્ડિયા કૉમ્યૂનિટી સેંટર અને એના CEO રાજ દેસાઈનો સવિશેષ આભાર માનવામાં આવ્યો હતો. જવનિકા એન્ટરટેઇન્મેન્ટના સ્થાપક જાગૃતિ દેસાઈ-શાહે પુષ્પગુચ્છથી પ્રીતિસેનગુપ્તાનું અભિવાદન ર્કર્યું હતું. ગુજરાતી સુગમ સંગીતના વરિષ્ઠ ગાયિકા શ્રીમતી વિભા રાસબિહારી દેસાઈની પણ વિશેષ ઉપસ્થિતિ માટે એમનો સવિશેષ આભાર માનવામાં આવ્યો હતો. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના દરેક કાર્યક્રમને પોતાના અપ્રતિમ પ્રેમ અને ક્ષમતા અને સમય આપીને જેમને ઉજળા કર્યા છે, એવા ગુજરાતી કૉમ્યૂનિટીના નીડર લીડર મહેન્દ્ર મહેતા નો ખાસ આભાર માનવા માં આવ્યો. કાર્યક્રમ ને સફળ બનાવવામાં પોતાનો ફાળો આપવા માટે તમામ સ્વયંસેવકો ખાસ કરીને, દિપલ પટેલ, અનુજ ઠક્કર, અચલ અંજારિયા, આનલ અંજારિયા, સ્મિતા શાહ, શીલા મહેતા, આશા પટેલ અને તમામ શ્રોતાગણોનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે, હળવો નાસ્તો અને ચા માણીને સહુ છુટા પડ્યા હતા.